Gujarat

મહેસાણાના બે અધિકારીઓ વિદેશમાં, સરકારનો ‘45 દિવસનો’ આદેશ

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના અંગત હેતુસરના વિદેશ પ્રવાસને લઈને ગુજરાત સરકારે 11 ઓગસ્ટે મહત્વનો ઠરાવ બહાર પાડ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના આ ઠરાવમાં વિદેશ પ્રવાસ માટે 45 દિવસ અગાઉ અરજીથી લઈને રજા, ખર્ચ, સ્પોન્સર, પરિવારના સભ્યો, વિદેશી આતિથ્ય અને પૂર્વ મંજૂરી સહિતની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. આ આદેશ વચ્ચે મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને DDO અંચુ વિલ્સન બંને વિદેશ રજા પર હોવાની બાબત ચર્ચામાં આવી છે.

જોકે, બંને અધિકારીઓ આજના આદેશ પહેલાં જ વિદેશ ગયા છે, એટલે નવા 45 દિવસના નિયમને તેમના પ્રવાસ પર સીધો લાગુ કરવાનો પ્રશ્ન નથી. પરંતુ સરકારના આજના આદેશમાં અગાઉથી રહેલી મંજૂરીની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કલેક્ટર એસ.કે. પ્રજાપતિ જરૂરી મંજૂરી લઈને વિદેશ ગયા છે, જ્યારે DDO અંચુ વિલ્સન જરૂરી મંજૂરી વગર ગયા હોવાની ચર્ચા વહીવટી વર્તુળોમાં છે. આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે.

કલેક્ટર 5 દિવસથી વિદેશમાં, 1 સપ્ટેમ્બર સુધી રજા મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ છેલ્લા પાંચ દિવસથી વિદેશ પ્રવાસે છે અને 1 સપ્ટેમ્બર સુધી રજા પર હોવાનું જાણવા મળે છે. તેમના વિદેશ પ્રવાસ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. કલેક્ટરની ગેરહાજરી દરમિયાન જિલ્લા વહીવટની કામગીરી માટે મહેસાણા મ્યુનિસિપલ કમિશનરને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કલેક્ટરના કિસ્સામાં રજા અને વિદેશ પ્રવાસની મંજૂરી અંગે હાલ કોઈ વિવાદનો મુદ્દો નથી.