શહેરમાં મિલકત સંબંધી ગુનાખોરી ડામવા અને શકમંદો પર નજર રાખવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. એલસીબીએ બાતમીના આધારે એક રીઢા ચોરને તાંબાની પાઇપોના ચોરાયેલા જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.
મોતીતળાવ ગૌશાળા પાસે માલ વેચવાની પેરવીમાં હતો આરોપી એલસીબી પોલીસનો સ્ટાફ જ્યારે શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો કુખ્યાત તસ્કર નાસીર હુસૈન ઉર્ફે નાગ રફાઈ (રહે. સુભાષનગર, ભાવનગર) ચોરીનો માલ સગેવગે કરવાની પેરવીમાં છે. તે તાંબાની નાની-મોટી ભુંગળીઓ ભંગારના કંતાનના કોથળામાં ભરીને મોતીતળાવ કામધેનુ ગૌશાળા સામે રોડ પર ગ્રાહકની રાહ જોઈને ઊભો છે.
આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે વર્ણન મુજબના સ્થળે ઓચિંતો દરોડો પાડીને નાસીર ઉર્ફે નાગને આંતરી લીધો હતો. પોલીસે તેના કબજામાં રહેલા કંતાનના કોથળાની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં તાંબાની પાઇપો (ભુંગળીઓ) મળી આવી હતી.

