જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે અપુરતા વરસાદ પીવાના પાણી માટે નર્મદાના નીર આર્શિવાદરૂપ બની રહયા હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે.જિલ્લાના તમામ 6 તાલુકાના કુલ 428 ગામોમાં જળવિતરણ વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે.
આંકડાકીય વિશ્લેષણ મુજબ, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની તરસ છીપાવવામાં નર્મદા આધારિત જૂથ યોજના સૌથી મહત્વની સાબિત થઈ રહી છે. કુલ 428 ગામોમાંથી 258 ગામો(અંદાજે 60 ટકાથી વધુ )નર્મદાના નીર પર નિર્ભર છે, જ્યારે સમગ્ર જિલ્લામાં માત્ર જામજોધપુર તાલુકાના એક જ ગામમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ફરજ પડી રહી છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા જૂથ યોજનાઓ મારફતે નિયમિત પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં નર્મદા આધારિત જૂથ યોજના હેઠળ સૌથી વધુ કાલાવાડ તાલુકાના 62 ગામો અને જામનગર તાલુકાના 61 ગામોને આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત લાલપુરના 52, જોડિયાના 36, જામજોધપુરના 32 અને ધ્રોલ તાલુકાના 14 ગામોને નર્મદાનું પાણી મળી રહ્યું છે. બીજી તરફ, સ્થાનિક ડેમ આધારિત જૂથ યોજના હેઠળ કુલ 42 ગામોને પાણી મળે છે, જેમાં ધ્રોલના 20, જામનગરના 16,લાલપુરના 05 અને કાલાવાડના 01 ગામનો સમાવેશ થાય છે, જ્યારે જોડિયા અને જામજોધપુરમાં ડેમ આધારિત જૂથ યોજના હેઠળ હાલ એકપણ ગામ નથી.
જૂથ યોજનાઓ ઉપરાંત જિલ્લાના 127 ગામો એવા છે જેઓ પોતાના સ્થાનિક જળસ્ત્રોતો (કૂવા, બોર વગેરે) પર આધારિત છે. જેમાં કાલાવાડ તાલુકાના સૌથી વધુ 38 ગામો, જામજોધપુરના 34, જામનગરના 27, લાલપુરના 20, ધ્રોલના 07 અને જોડિયા તાલુકાના 02 ગામોનો સમાવેશ થાય છે.

