Gujarat

જામનગરમાં નેશનલ ડૉક્ટર ડે ઉજવાયો

જામનગરમાં ઇટ્રા (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ) દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૌમારભૃત્ય વિભાગ દ્વારા વન મહોત્સવ અંતર્ગત 40 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરાયું હતું.

આયુર્વેદની દૃષ્ટિએ આરોગ્ય અને પર્યાવરણ માટે હિતકારી આ છોડ રોપવામાં આવ્યા હતા. પી.એચ.ડી. અભ્યાસક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને તેમના હસ્તે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.

કૌમારભૃત્ય વિભાગના વડા પ્રો. વિરેન્દ્ર કોરીએ જણાવ્યું હતું કે, આયુર્વેદ વૈદ્યો દ્વારા બીમાર દર્દીઓ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરાયું છે. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યની પેઢીમાં વૃક્ષારોપણ અને તેના જતનની સારી ટેવો વિકસે.

દરેક વૃક્ષ પર તેના નામ સાથેનો ક્યુ.આર. કોડ ધરાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, જેથી તેમને જતન માટે પ્રેરણા મળતી રહે. આ કાર્યક્રમમાં સંસ્થાના ઇનચાર્જ ડાયરેક્ટર પ્રો. વૈદ્ય હિતેશ વ્યાસ સહિત સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.