જૂનાગઢમાં ગિરનાર પર્વત પરના અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના નિધનના 21 મહિના બાદ એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ સરકારી કચેરીઓમાં દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી નામથી લેખિત અરજી કરવામાં આવી હતી.
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તનસુખગીરી બાપુનું કુદરતી મૃત્યુ નહીં પરંતુ તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મંદિરની અબજો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો, રોકડ રકમ તેમજ કિંમતી પ્લોટ હડપવાના ઈરાદાથી ષડયંત્ર રચાયું હોવાનો અરજીમાં આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
જો કે જેમના નામથી અરજી કરવામાં આવી એ અને બાપુ સાથે રહેનાર દુષ્યંતગીરીએ પોલીસ સ્ટેશને જઈને સ્પષ્ટતા કરી છે કે, આ અરજી તેમણે કરી નથી. ત્યારે પોલીસે અરજી કરનાર કોણ અને તેમાં કરાયેલા આક્ષેપોને લઈ તપાસ શરૂ કરી છે.
‘ઝેરની અસરને કારણે બાપુની તબિયત લથડી હતી’ અરજીમાં આક્ષેપો મુજબ જ્યારે મહંત તનસુખગીરી બાપુ હરિદ્વારમાં ફરવા પ્લેનમાં ગયા હતા, ત્યારે જ કાવતરાખોરો દ્વારા તેમના ખોરાકમાં ઝેર એટલે કે સ્લો પોઈઝન ભેળવી દેવામાં આવ્યું હતું. આ ઝેરની અસરને કારણે બાપુની તબિયત સતત લથડતી રહી હતી અને અંતે મરણપથારીએ પડ્યા બાદ તેમનું નિધન થયું હતું.

