મોરબીમાં આશરે ₹80 કરોડના ખર્ચે નિર્માણાધીન નટરાજ ફાટક ઓવરબ્રિજના કામ દરમિયાન ગુણવત્તાને લઈને ગંભીર ખામી સામે આવી છે. ઓવરબ્રિજના એક પિલ્લરમાં જરૂરી મજબૂતાઈ ન હોવાનું પરીક્ષણમાં બહાર આવતા માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી છે. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સંબંધિત પિલ્લરને કોન્ટ્રાક્ટરના પોતાના ખર્ચે તોડી પાડીને ફરીથી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેના અનુસંધાને હાલ પિલ્લર તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અગાઉ પણ એલાઈમેન્ટની ખામીથી તોડવો પડ્યો હતો ભાગ આ ઓવરબ્રિજનું કામ અમદાવાદની રણજિત બિલ્ડકોન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ પાંચ નંબરના પિલ્લર પાસે કોંક્રિટ ભરવાની પ્રક્રિયા દરમિયાન એલાઈમેન્ટ ખસી જતાં બાંધકામનો ભાગ નમી ગયો હતો.

તે સમયે પણ કોન્ટ્રાક્ટરને પોતાના ખર્ચે તે ભાગ તોડી ફરીથી બનાવવો પડ્યો હતો. હવે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર તરફ જવાના માર્ગ પર બનાવાયેલા અન્ય એક પિલ્લરમાં પણ જરૂરી ગુણવત્તા ન હોવાનું સામે આવતાં ફરી એકવાર બાંધકામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
એમ-35 સામે માત્ર એમ-33 મજબૂતાઈ નોંધાઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ, પિલ્લર તૈયાર થયા બાદ નિર્ધારિત સમયગાળા પછી તેની મજબૂતાઈનું પરીક્ષણ કરવામાં આવે છે. નિયમ મુજબ પિલ્લરની મજબૂતાઈ એમ-35 હોવી આવશ્યક છે, પરંતુ જે પિલ્લરને તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે તેની મજબૂતાઈ માત્ર એમ-33 નોંધાઈ હતી. ગુણવત્તાના ધોરણો પૂર્ણ ન થતાં વિભાગે કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા પિલ્લરને સંપૂર્ણપણે તોડી નવેસરથી બનાવવાનો નિર્ણય કર્યો છે.

