મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ, ફરિયાદીના પત્નીને સ્કૂલ સંચાલકના નામે ફોન કરીને OTP મેળવી તેમનું WhatsApp હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાહેદોને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરીને ₹30,000 કઢાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાત્રિના સમયે જાનથી મારી નાખવાની ધમકી આપી ₹10,00,000ની ખંડણી પણ માંગવામાં આવી હતી.
આરોપીએ મોરબીની નાલંદા વિદ્યાલય ઉપરાંત ઈ-ઝોન સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ અને બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓના WhatsApp ગ્રુપ પણ હેક કર્યા હતા. તે સ્કૂલ ફીના નામે તેમજ ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં કઢાવવાનો પ્રયાસ કરતો હતો. મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે અલગ-અલગ ટેકનિકલ માહિતી એકઠી કરીને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અગાઉ આવા 13 ગુના આચરી ચૂક્યો છે. ગુનો કર્યા બાદ તે ગોવા રાજ્યમાં જતો રહેતો હતો અને મોટાભાગે ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરતો હતો. ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સિસ દ્વારા વધુ તપાસ કરતા, આ ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા, તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે. આરોપી Truecaller મારફત ફોન કરીને ખાસ કરીને મહિલાઓના નંબરની વિગતો મેળવતો હતો. તે મહિલાઓને ફોન કરીને કહેતો કે ભૂલથી તમારામાં એક OTP નંબર આવ્યો છે, તે આપો. આ રીતે OTP મેળવી તે મહિલાનું WhatsApp હેક કરતો હતો.

