જામનગરના રઘુવીર સોસાયટીમાં રહેતા આશાબેન ભવાનભાઈ કણઝારીયા ગત તા. 24ના રોજ ચાંદીબજારમાંથી ખરીદી કરીને મોટરસાઈકલ પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઓશવાળ સર્કલ નજીક ફોન આવતા, તેમના હાથમાંથી જ્વેલર્સની થેલી રસ્તા પર પડી ગઈ હતી.
આ થેલીમાં 10 તોલાનો સોનાનો હાર અને બુટ્ટી (કિંમત રૂ. 13.50 લાખ) તેમજ 1 તોલાનું સોનાનું બ્રેસલેટ (કિંમત રૂ. 1.50 લાખ) મળી કુલ 15 લાખ રૂપિયાની કિંમતના 11 તોલા સોનાના દાગીના હતા.
રસ્તામાં શોધખોળ કરવા છતાં દાગીના ન મળતા આશાબેને નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે મદદ માટે અરજી કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડીવાયએસપી ડી.કે. પંડ્યાની સૂચના મુજબ પીઆઈ બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના સ્ટાફે તાત્કાલિક વિવિધ લોકેશનના CCTV કેમેરા ફૂટેજ તપાસ્યા હતા.
તપાસ દરમિયાન ઓશવાળ સર્કલ પાસે પડી ગયેલા સોનાના ઘરેણાંની થેલી એક રિક્ષાચાલકે ઉપાડી હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાયું હતું. પોલીસે RTO ડેટાના આધારે રિક્ષાચાલકનો સંપર્ક કરી, તમામ સોનાના દાગીના સલામત રીતે મેળવીને માત્ર ગણતરીની કલાકોમાં જ મહિલા અરજદારને પરત સોંપ્યા હતા.

