જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા બ્રહ્મસમાજના ખેલૈયાઓ માટે શરદ પૂર્ણિમાના પાવન અવસરે એક દિવસીય શરદ પુનમ રાસોત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન સાત રસ્તા પાસે આવેલ એમ.પી. શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના સભ્યો તથા તમામ ઉંમરના ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર માહોલને ઉત્સવમય બનાવી દીધો હતો. આ રાસોત્સવમાં સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર માટે અર્બન રાસોત્સવની સાથે તાળી રાસ, પંચીયા રાસ અને ફ્રી સ્ટાઇલ સહિતના વિવિધ પરંપરાગત રાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના તાલે ખેલૈયાઓએ મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિજેતા ખેલૈયાઓને દાતાશ્રીઓ તથા સ્પોન્સરોના સહયોગથી ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જામનગરનાં મેયર મોનિકાબેન વ્યાસ તથા કલેક્ટર પી.બી. પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત કોર્પોરેટર સુભાષભાઈ જોષી, નિશાબેન અસ્વાર, તૃપ્તિબેન ખેતીયા સહિતના રાજકીય અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, અનેક સંગઠનોના હોદ્દેદારો તથા બ્રહ્મસમાજના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત તમામ મહેમાનોનું જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના સભ્યો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

