Gujarat

ભરૂચના નીતિન ટેલરને રેક્સ કર્મવીર ચક્રનો સિલ્વર મેડલ મળ્યો

ભરૂચના સામાજિક કાર્યકર અને સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને ‘રેક્સ કર્મવીર ચક્ર એવોર્ડ-2026’નો સિલ્વર મેડલ એનાયત થયો છે. iCongo અને સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી યોજાયેલા સમારોહમાં 26 નવેમ્બરે ફરીદાબાદમાં તેમને આ સન્માન અપાયું હતું.

યુવા સશક્તિકરણ, સામાજિક ઉદ્યમશીલતા અને નર્મદા પ્રેરણા યાત્રા દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના કાર્ય બદલ નીતિન ટેલરને આ મેડલ મળ્યો છે. વર્ષ 2024માં તેમને આ જ એવોર્ડનો બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

નીતિન ટેલર અમેરિકાની મોબાઇલ ટેક્નોલોજી કંપનીની નોકરી છોડીને ભરૂચ પરત ફર્યા હતા. ત્યારથી તેઓ સમાજસેવા, મહિલા ઉત્થાન, ગ્રામ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં જોડાયા છે. તેમણે શરૂ કરેલી નર્મદા પ્રેરણા યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં 20થી વધુ યાત્રાઓ યોજાઈ છે. તેમાં 18થી વધુ રાજ્યોના 300થી વધુ યુવાનો અને વ્યાવસાયિકો જોડાયા છે.

સમારોહમાં નીતિન ટેલરને મુખ્ય વક્તા તરીકે પણ પસંદ કરાયા હતા. તેમણે વિશ્વભરના ચેન્જમેકર્સ સમક્ષ નર્મદા પ્રેરણા યાત્રાની સફર અને અનુભવો રજૂ કર્યા હતા. યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના જગાવવા માટેના પ્રયાસો વિશે પણ વાત કરી હતી.

નીતિન ટેલરે આ સન્માનનો શ્રેય મા નર્મદાના આશીર્વાદ, પરિવારજનો, સહયોગીઓ અને સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના સ્વયંસેવકોને આપ્યો છે.