Gujarat

રાધનપુર હાઇવે પર ટ્રકની ટક્કર, વૃદ્ધનું મોત

રાધનપુર હાઈવે પર સોમવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે 65 વર્ષીય વૃદ્ધને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટર નજીક સોમવારે સાંજે આશરે 6:00 વાગ્યાના સુમારે બની હતી. નવા ઇન્દ્રવા, તા. ભાભરના રહેવાસી દેવાજી મોતીજી રાઠોડ (ઉં.વ. 65) ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રક નંબર GJ 02 Z 0840 ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. ટ્રકની ટક્કર એટલી ભયાવહ હતી કે વૃદ્ધનું માથું ટ્રકના ટાયર નીચે આવી ગયું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના પૌત્ર સંજયભાઈ અરજણભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર ટ્રક ચાલકનું નામ કાનજીભાઈ ડાયાભાઈ ગોહિલ (રહે. ભીમસર, તા. રાપર, જી. કચ્છ) હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ટ્રક અને તેના ચાલકને ઝડપી પાડ્યા હતા. રાધનપુર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ B.N.S.S ની કલમ 281, 106(1), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ માનજીભાઈ જોષી કરી રહ્યા છે.