Gujarat

દામોદર કુંડે જલઝીલણી એકાદશીએ પિતૃતર્પણ માટે ભાવિકોનું ઘોડાપૂર

પવિત્ર ભાદરવા માસની અગિયારસ એટલે કે દાન એકાદશી અને જલઝીલણી એકાદશીના આધ્યાત્મિક પ્રસંગે આજે જૂનાગઢ સ્થિત પ્રાચીન અને પવિત્ર તીર્થક્ષેત્ર દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

ભાદરવા મહિનાના આજના મહાપવિત્ર દિવસે દામોદર કુંડના પાવન જળમાં સ્નાન અને પિતૃતર્પણ કરવાનું અનન્ય મહાત્મ્ય હોવાના કારણે રાજ્યના ખૂણે-ખૂણેથી તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી હજારો ભાવિક ભક્તો પિતૃકાર્ય સંપન્ન કરવા માટે અહીં પહોંચ્યા છે. ગિરનારની તળેટીમાં આવેલો સોનરખ નદીનો આ કુંડ ધાર્મિક અને પૌરાણિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જ્યાં રોજ સવારે ભક્તકવિ નરસિંહ મહેતા પોતે સ્નાન કરવા આવતા હતા તેવી લોકવાયકા છે.

મોક્ષ પીપળે જળ ચડાવવાથી પિતૃદોષ શાંત થવાની માન્યતા દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે આજે ભાદરવા સુદ અગિયારસ છે, જેને શાસ્ત્રોમાં દાન એકાદશી તેમ જ જલઝીલણી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે પૃથ્વી પર પ્રથમવાર દાન લીધું હોવાની પૌરાણિક માન્યતા છે.

આ ઉપરાંત સમગ્ર ભાદરવો મહિનો પિતૃઓ માટે સમર્પિત માનવામાં આવે છે અને તેમાં પણ એકાદશી તિથિ પિતૃકાર્ય માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. આજના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃતર્પણ કરવાથી પિતૃઓને મોક્ષપ્રાપ્તિ થાય છે તેમજ અહીં આવેલા મોક્ષ પીપળે શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ, શાંતિ તથા કલ્યાણ થાય છે.