Gujarat

કચ્છના ક્રિક વિસ્તારમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ પકડાઈ

રણ, ડુંગર, દરિયાકાંઠા અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહે છે. ત્યારે કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલા ક્રિક વિસ્તારમાં BSFની ટીમને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ મામલે બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી સાંજના સમયે BSFની ટીમ કચ્છના ક્રિક વિસ્તારમાં દરિયાઈ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ટીમને એક બોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ બોટ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. બોટની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

દરિયાઈ સુરક્ષા વધુ કડક કરાઈ કચ્છના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી આવવાની ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. હાલ કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના જવાનો દ્વારા ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ અથવા ઘૂસણખોરીના પ્રયાસને સમયસર અટકાવી શકાય.