Gujarat

પાટડીનું પીપળીધામ હવે ‘રામદેવપીર પીઠ’ તરીકે ઓળખાશે

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે આવેલું અને આસ્થાનું કેન્દ્ર પીપળીધામ હવેથી વિધિવત રીતે “રામદેવપીર પીઠ” (રામદેવાચાર્ય સ્વામી વાસુદેવાચાર્યજી મહારાજ આચાર્ય પીઠ) તરીકે ઓળખાશે. રામદેવપીર બાપાના નેજા આનંદ મહોત્સવ પ્રસંગે ભાદરવા સુદ દશમના પવિત્ર દિવસે આ વિધિવત પદ અભિષેક સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શેષ મઠ પશ્ચિમ પીઠાધીશ્વર જગતગુરુ રામાનંદાચાર્યજી (પાલી, રાજસ્થાન)ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં દેશભરના વિવિધ અખાડાના સાધુ-સંતો, જગતગુરુઓ, અખાડા પરિષદના અધ્યક્ષ અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સનાતન ધર્મની નિઃસ્વાર્થ સેવા અને સ્મરણની પરંપરાને આગળ ધપાવવા બદલ પીપળીધામના મહંત ભક્તરાજ વાસુદેવ મહારાજને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ‘જગતગુરુ મહામંડલેશ્વર શંકરાચાર્ય’ અને ‘અનંત શ્રી’ પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. અખાડાના સંતો દ્વારા તેમને વિધિવત રીતે “જગતગુરુ રામદેવાચાર્ય” નામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન એક વક્તાએ જણાવ્યુ હતું કે, ભક્તરાજનું પદ મોટું હોય છે, પણ તેની આગળ ‘અનંત શ્રી વિભૂષિત’નું પદ આવે છે. તેમણે ‘શ્રી’નો અર્થ સમજાવતા કહ્યું કે, શ્રી એટલે લક્ષ્મી, વૈભવ અને 6 પ્રકારના ઐશ્વર્યનો સમન્વય. સંતો, દેવો, ગુરુઓ, મહાપુરુષો, બ્રાહ્મણો અને અતિથિઓની હાજરીમાં પૂજ્ય બાપુને આપવામાં આવેલું આ પદ અનંત ઐશ્વર્યનું પ્રતીક છે.