Gujarat

ગઢડામાં જળઝીલણી ઉત્સવની ધામધૂમથી ઉજવણી

ગઢડામાં જળઝીલણી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના તીર્થધામ ગઢડામાં ૨૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ ગોપીનાથજી મંદિરથી ભવ્ય જળ યાત્રા નીકળી હતી. આ યાત્રામાં સાધુ-સંતો અને હજારો હરિભક્તો વાજતે-ગાજતે જોડાયા હતા. ઠાકોરજીને સોનાની પાલખીમાં બેસાડીને ઘેલો નદીમાં નૌકાવિહાર પણ કરાવાયું હતું. આ પ્રસંગે પરંપરાગત જળઝીલણી એકાદશીનો ઉત્સવ અને લોકમેળો યોજાયો હતો.

બોટાદ જિલ્લાનું ગઢડા (સ્વામિના) સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. તે સહજાનંદ સ્વામીની કર્મભૂમિ અને અનેક દિવ્ય લીલાઓ તથા પરંપરાઓ માટે મહત્વનું સ્થાન ધરાવે છે. સ્વામિનારાયણ ભગવાન ૨૯ વર્ષ સુધી ગઢડામાં રહ્યા હતા. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની રચના પણ ગઢડામાં જ કરી હતી.

સ્વામિનારાયણ ભગવાને જળઝીલણી એકાદશીના દિવસે ઘેલો નદીમાં ઠાકોરજીને જળ ઝીલાવ્યા હતા. ત્યારથી સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી આ પરંપરા ૨૨૨ વર્ષથી ચાલી આવે છે. ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જળઝીલણી એકાદશીના દિવસે ઠાકોરજીની પૂજા-અર્ચના કરીને સોનાની પાલખીમાં ઢોલ-નગારા, સાધુ-સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી જળ યાત્રા યોજવામાં આવે છે. આ પ્રસંગે બે દિવસનો ભવ્ય લોકમેળો પણ ભરાય છે.

આજે જળઝીલણી એકાદશીના દિવસે સવારે ૧૦ વાગ્યે ગોપીનાથજી મંદિરના ગર્ભગૃહમાં ઠાકોરજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોરજીને સોનાની પાલખીમાં બેસાડીને ઢોલ-નગારા, ધૂન મંડળીઓ, સાધુ-સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં વાજતે-ગાજતે જળ યાત્રા નીકળી હતી. પવિત્ર ઘેલો નદીમાં ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામી સહિતના સંતો દ્વારા ઠાકોરજીની ધાર્મિક વિધિથી પૂજન-આરતી કરી નૌકાવિહાર કરાવાયું હતું.

આ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં ૧ ડીવાયએસપી, ૨ પીઆઈ, ૪ પીએસઆઈ, ૮૮ પોલીસ જવાનો, મહિલા પોલીસ, ૬૪ હોમગાર્ડ જવાનો, ૭૦ જીઆરડી જવાનો અને ટીઆરબી જવાનો સામેલ હતા.

ઘેલો નદીના કાંઠે ઠાકોરજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. હજારો લોકોએ લોકમેળાનો આનંદ માણીને ધામધૂમથી જળઝીલણી ઉત્સવની ઉજવણી કરી હતી.