Gujarat

રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો રેકોર્ડ સ્થાપિત કરતા 13 ઑક્ટોબર 2026ના રોજ આયોજિત એક જ ઈ-હરાજીમાં રૂ. 7.09 કરોડ મૂલ્યના ભંગારનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું છે, જે ડિવિઝનના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ છે.

આ સિદ્ધિ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 22.65 કરોડનું સંચયી સ્ક્રેપ વેચાણ નોંધાયું છે, જે ડિવિઝનની અસરકારક મટિરિયલ મેનેજમેન્ટ સિસ્ટમ અને પારદર્શક પ્રક્રિયા દર્શાવે છે. સ્ટોર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી બિનઉપયોગી સામગ્રીનું મહત્તમ આર્થિક મૂલ્ય પ્રાપ્ત થયું છે.

બિનઉપયોગી સામગ્રીનો સમયસર નિકાલથી આવકની સાથે રિસાયક્લિંગને પ્રોત્સાહન આ સફળતા અંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ રાજકોટ ડિવિઝનની કાર્યક્ષમતા અને અસરકારક સંસાધન સંચાલનનો પુરાવો છે.

અમે સંપૂર્ણ પારદર્શિતા દ્વારા રેલવેની આવકમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રેલવેના સંચાલન અને જાળવણી દરમિયાન ઉત્પન્ન થતી બિનઉપયોગી સામગ્રીનો સમયસર નિકાલ માત્ર વધારાની આવક જ ઊભી કરતો નથી, પરંતુ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપીને રેલવે પરિસરોને સ્વચ્છ રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.