સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી-2026ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી જેવી મહત્વની લોકશાહીની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરનાર અને સોંપવામાં આવેલી કામગીરીનો અસ્વીકાર કરનાર સરકારી કર્મચારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
161-વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કાપલી વહેંચવાની કામગીરીનો ઇનકાર કરનાર એક BLO (બૂથ લેવલ ઓફિસર) વિરુદ્ધ કામરેજ પોલીસની મદદ લેવામાં આવી હતી, જેના પગલે પોલીસ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા સમગ્ર વહીવટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વોર્ડ 1થી 30 માટે BLO મારફત કાપલી વહેંચવાની યાદી તૈયાર સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને મતદારોને પોતાના મતદાન મથકની વિગતો સરળતાથી મળી રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ઘરે-ઘરે મતદાન કાપલી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 161 કરંજ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વોર્ડ નં. 1થી 30 માટે BLO મારફત કાપલી વહેંચવાની યાદી તૈયાર કરવામાં આવી હતી.
આ કામગીરી અંતર્ગત 161-વરાછા રોડ વિધાનસભાના ભાગ નં. 150 (ફુલપાડા-53) ના BLO તરીકે રાકેશ સોરઠીયાની નિમણૂક કરવામાં આવી હતી. રાકેશ સોરઠીયા મૂળભૂત રીતે કામરેજ સ્થિત પેટા તિજોરી કચેરીમાં ફરજ બજાવે છે.

