જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં રેત માફિયાઓ બેફામ બન્યા છે અને અધિકારીઓ પર હુમલો કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડીયાના બાદનપર ગામ પાસેથી રેતી ભરેલી 8 ટ્રકો પસાર થતા ખાણ ખનીજ વિભાગની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર નિખિલભાઈ પોટાયત તેમજ સહકર્મચારી રમેશભાઈ દલસાણીયા સહિતના સ્ટાફે ચેકીંગ હાથ ધર્યુ હતું.
માત્ર એક જ ટ્રક પાસે કાયદેસરની રોયલ્ટી મળી આવી હતી, જ્યારે અન્ય 7 ટ્રકો કોઈ પણ પાસ-પરમિટ વગર ગેરકાયદે રેતી વહન કરતી ઝડપાઈ હતી. ખનીજ વિભાગની ટીમે જ્યારે આ વાહનો સામે કાયદેસરની જપ્તીની કાર્યવાહી શરૂ કરી, ત્યારે એક ટ્રકનો માલિક ઉશ્કેરાઈને ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. તેણે અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, માફિયાએ ટ્રકમાંથી લોખંડનું પાનું કાઢીને ખનીજ વિભાગના અધિકારીઓ પર જીવલેણ હુમલો કરી માર માર્યો હતો અને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.

