Gujarat

શ્રાવણી લોકમેળો પ્રથમ દિવસે લાયસન્સની પ્રક્રિયામાં ચકડોળે ચડયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 1થી 11 સપ્ટેમ્બર દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ આયોજનને સ્થાનિક નાગરિક દ્વારા કોર્ટમાં પડકારવામાં આવતાં મેળો શરૂઆતી તબક્કે જ કાનૂની ગૂંચવણમાં ફસાયો હતો.

મંગળવારે યોજાયેલી કોર્ટ સુનાવણી બાદ હવે પછીની વધુ સુનાવણી (ચુકાદો)આગામી ત્રીજી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ. કોર્ટ દ્વારા વાદીની સ્ટે આપવાની અરજી માન્ય રાખવામાં આવી નથી.પ્રથમ દિવસે મોડી સાંજે મેળાનો આંશિક પ્રારંભ થયો હતો.જોકે,મોટી રાઇઝડના અભાવે ફિકકો પ્રારંભ હોવાનુ જોવા મળ્યો હતુ.

બીજી બાજુ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત લોકમેળો પ્રથમ દિવસે મોડીસાંજ સુધી પરફોર્મન્સ લાયસન્સના ચક્કરમાં અટવાયેલો જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજ સુધી મોટી રાઇડ્સના લાયસન્સ ન મળ્યા હોવાથી ચકડોળ સહિતના મનોરંજનના સાધનો શરૂ થઈ શક્યા ન હતા.

પરિણામે, અગીયાર દિવસીય લોકમેળાનો પ્રથમ દિવસ મહદઅંશે ધોવાઈ ગયો હતો અને જિલ્લાનો આ સૌથી મોટો મેળો પ્રથમ દિવસે ચકડોળે ચડેલી સ્થિતિમાં રહ્યો હતો.જે સાથે આ વિસંગતતા મોડી સાંજ સુધી યથાવત જોવા મળી હતી.

આ પુર્વે મ્યુનિ. કમિશ્નર સહિતના અધિકારીઓએ પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાની વ્યવસ્થાઓની સમીક્ષા અર્થે પહોચ્યા હતા.તદુપરાંત યાંત્રિક વિભાગની ટીમ દ્વારા પણ અગાઉ રાઇઝડની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી.