Gujarat

અમદાવાદની મ્યુનિ. શાળાઓમાં હવે સૂર સંગીતના સ્વર ગૂંજશે

અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરના સૂર-સંગીતના સ્વર ગૂંજશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને ભાર વિનાના ભણતરના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાપાનની જાણીતી કંપની યામાહા મ્યુઝિક ઇન્ડિયા વચ્ચે એક ઐતિહાસિક MOU કરવામાં આવ્યા છે.

આ નવતર પહેલ અંતર્ગત જુલાઈ 2026થી જાપાનની ખાસ ટીમ મ્યુનિ. શાળાઓના શિક્ષકોને વિશેષ તાલીમ આપશે, જેનાથી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સંગીત સાધનો સાથે વૈશ્વિક કક્ષાનું સંગીત શિક્ષણ મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કળાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું આ એક પ્રશંસનીય અને ઐતિહાસિક પગલું છે.

વાલીઓમાં ખાનગી શાળાઓનો ક્રેઝ છે. જ્યાં જોઈએ ત્યાં વાલીઓ પોતાના બાળ કને ખાનગી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ બદલાતી જાય છે અને ખાનગી શાળાઓમાંથી વાલીઓ પોતાના બાળકોને મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવવા લાગ્યા છે. તેની પાછળના કારણો જોઈએ તો મ્યુનિ. શાળામાં તાલીમબદ્ધ શિક્ષકો, વિનામૂલ્યે અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓ મુખ્ય પરિબળો છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પ્રવર્તમાન સ્થિતિમાં તાલ મિલાવવા માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરી છે. તબક્કાવાર તેમાં વધારો થયો છે, ત્યાં સુધી કે આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થાય છે, જેના કારણે મ્યુનિ. કાઉન્સિલરોથી માંડીને સરકારી ઉચ્ચ અધિકારીઓની ભલામણો પણ આવતી હોય છે.

સંગીત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય તાલીમનું સ્તુત્ય પગલું શિક્ષણ ઉપરાંત રમતગમત, ગુણોત્સવ વગેરે સ્પર્ધાઓમાં મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર થવા લાગ્યા છે. આ શાળાના બાળકોનો વિકાસ થાય તે હેતુસર આ બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સિટીથી લઈને કાંકરિયા વગેરે સ્થળોએ પ્રવાસ કરાવવામાં આવે છે. આમ, મ્યુનિ. શાળા તરફ વિદ્યાર્થીઓનો ઝોક વધી રહ્યો છે.

ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પોતાના હસ્તકની મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓને હવે ગુણવત્તાયુક્ત ટેકનોલોજી શિક્ષણની સાથે સંગીત ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહે તે દિશામાં વધુ એક સ્તુત્ય પગલું ભર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની રસ અને રુચિ અનુસાર સંગીતમાં પણ કારકિર્દી બનાવી શકે તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો તાલીમ અનુભવ પૂરો પાડવાનો છે.