તાજેતરમાં લો એન્ડ ઓર્ડર, પોલીસ મહાનિર્દેશક (IGP) મકરંદ ચૌહાણે ગાંધીનગરના પ્રવેશદ્વારથી પાટનગરમાં જ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ને કાળા કાચ-નંબર પ્લેટ વિનાની કાર સાથે પકડ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા આવતીકાલ 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર એટલે કે સતત 15 દિવસ સુધી રાજ્યભરમાં ખાખીધારીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે.
પોલીસ તંત્રને પણ ટ્રાફિક નિયમોને લઈ જગાડવાની ફરજ પડી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની પ્રાથમિક જવાબદારી પોલીસ વિભાગની છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક કે નિયમભંગ કરનાર બને ત્યારે પ્રજામાં પોલીસની છબી ખરડાય છે. તાજેતરમાં પાટનગર ગાંધીનગરમાં બનેલી એક ગંભીર ઘટના બાદ હવે સમગ્ર રાજ્યના પોલીસ તંત્રને ટ્રાફિક નિયમોને લઈ જગાડવાની ફરજ પડી છે.
IGPએ બ્લેક ફિલ્મ-નંબર પ્લેટ વગરની કાર સાથે PIને પકડ્યા ગાંધીનગર અતિસંવેદનશીલ વિસ્તાર ગણાય છે, જ્યાં VVIP મહાનુભાવોની સતત અવરજવર રહે છે. ભૂતકાળમાં આતંકવાદીઓએ ખોટા ઓળખપત્રો અને રજિસ્ટ્રેશન વગરના વાહનોનો ઉપયોગ કરીને હુમલા કર્યાના કિસ્સા પણ નોંધાયા છે.
આવા સંવેદનશીલ વાતાવરણ વચ્ચે ગત 11 સપ્ટેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થા વિભાગના IGP દ્વારા ગાંધીનગરમાં પ્રવેશતી એક કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી.જેની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ કાર ગાંધીનગરમાં જ ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટરની હતી.
પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા નિયમોનો ઉલાળ્યો! પોલીસ વિભાગના પોતાના જ અધિકારી દ્વારા ટ્રાફિક નિયમોનો આ પ્રકારે ખુલ્લેઆમ અનાદર થતાં વડી કચેરીએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાં લૉ એન્ડ ઓર્ડર IGP મકરંદ ચૌહાણ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

