રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે, સંભવિત પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ડભોઈ શહેર અને તાલુકામાં પણ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આ કામગીરીના સંકલન માટે ડભોઈના પૂર્વ નાયબ કલેક્ટર હિમાંશુ પરીખની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નોડલ અધિકારી હિમાંશુ પરીખે ડભોઈમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કરાયેલી તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર અને જયકિશન તડવી સાથે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.
ભારે વરસાદને કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો, અસરગ્રસ્ત નાગરિકોના સ્થળાંતર માટે 9 આશ્રયસ્થાનો અગાઉથી જ કાર્યરત રાખવામાં આવ્યા છે. જરૂરિયાત ઊભી થાય તો વધુ ત્રણ આશ્રયસ્થાનો પણ તાત્કાલિક શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાણા સમાજ વાડી, દરજી સમાજ વાડી, સત્તારગામ સમાજ વાડી સહિત વિવિધ સમાજોની વાડીઓને આશ્રયસ્થાન તરીકે તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓએ આ તમામ આશ્રયસ્થાનોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને સ્થળાંતરની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત, અધિકારીઓએ વઢવાણા તળાવ વેટલેન્ડની પણ મુલાકાત લીધી હતી. તેમણે પાણીની સપાટી, જળસંગ્રહની સ્થિતિ અને ભારે વરસાદની સ્થિતિમાં ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિ અંગે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

