જામનગર મહાનગરપાલિકાની આ 15 સમિતિઓનું મુખ્ય કામ શહેરના વહીવટમાં દેખરેખ રાખવાનું અને જે-તે વિભાગના વિકાસ કાર્યો માટે ભલામણ કરવાનું છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે તેમની પાસે સીધી નાણાંકીય મંજૂરી કે આખરી નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. આ સમિતિઓ માટે સત્તાધારી પક્ષના નારાજ કોર્પોરેટરોને સમિતિમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનનો હોદો ઉપરાંત સભ્ય પદ આપી દેવામાં આવે છે. પરંતુ તેઓ પાસે માત્ર ભલામણ સિવાય કોઈ સત્તા હોતી નથી.
જામનગર મહાનગરપાલીકાના 16 વોર્ડના 64 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ઐતિહાસિક 15 વોર્ડમાંથી 60 બેઠકો પર જીત મેળવી છે. જેથી હવે મેયર, ડે.મેયર તેમજ સ્ટે.કમિટી માટે સન્સપેન્સ સર્જાયું છે. પરંતુ જે કોર્પોરેટરોને હોદો નહીં મળે તેવા કોર્પોરેટરોને જામ્યુકોની જુદી જુદી 15 કમિટીઓમાં ચેરમેન-વાઈસ ચેરમેનના હોદાઓ અને સભ્યપદ આપીને નારાજગી દુર કરવામાં આવશે.
આ એક કમિટીમાં ચેરમેન સહિત 7 સભ્યોની નિમણુંક કરવામાં આવે છે. આ કમિટીઓ પાસે જે-તે સમિતિ (જેમ કે ડ્રેનેજ, લાઈટ કે વોટર વકર્સ) પોતાના વિભાગના નવા પ્રોજેકટસ કે રિપેરિંગના કામોનો એજન્ડા તૈયાર કરવાના હોય છે. તેમજ ચાલતા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાય છે કે નહીં તેની તપાસ કરવાની હોય છે.
તેમજ સ્થાનિક પ્રશ્નોને જે તે વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડવાની અને વર્ષ દરમિયાન ક્યા વિસ્તારમાં કેટલો ખર્ચ કરવો તેની પ્રાથમિક યાદી તૈયાર કરવા સહિતની જવાબદારી હોય છે. પરંતુ આ સમિતિઓ ગમે તેટલી ચર્ચાઓ કરે, પણ અંતિમ મંજૂરી માટે તેમણે સ્ટેન્ડિંગ કમિટી પર નિર્ભરતા રહે છે. આ 15 સમિતિઓ જે પણ ઠરાવ કરે, તેને મંજુરી માટે સ્થાયી સમિતિ પાસે મોકલવો પડે છે. જો સ્ટેન્ડિંગ કમિટી ના પાડે, તો સમિતિનો નિર્ણય રદબાતલ ગણાય છે.

