Gujarat

દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસથી ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે હિલ્સા માછીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ થયો

ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સીઝનનો પ્રારંભ થયો છે. દેવપોઢી અગિયારસના પાવન દિવસે ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી હિલ્સા માછીમારીની સીઝનની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.

પૂજા પૂર્ણ થયા બાદ ભાડભૂતના અંદાજે ૬ હજાર માછીમારો ૧૨૦૦ જેટલી બોટ સાથે દરિયામાં માછીમારી માટે રવાના થયા હતા.

ભાડભૂત ગામમાં ઉત્સવમય વાતાવરણ જાેવા મળ્યું હતું. માછીમારોએ સૌપ્રથમ નર્મદા મૈયા અને સિકોતર માતાજીના મંદિરે વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું અને ત્યારબાદ નર્મદા નદીના જળમાં ૨૦૦ લિટરથી વધુ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૫૧ મીટર લાંબી ચૂંદડી નર્મદા મૈયાને અર્પણ કરીને સમગ્ર સીઝન દરમિયાન સારી માછીમારી, સલામત દરિયાઈ સફર અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

વિધિ પૂર્ણ થયા બાદ ભાડભૂતના હજારો માછીમારો પોતાની બોટ સાથે નર્મદા નદીના મુખ પ્રદેશ તરફ રવાના થયા હતા. માછીમારો આગામી દિવસોમાં દરિયામાં ધામા નાખીને હિલ્સા માછલીનો શિકાર કરશે. ભાડભૂતથી નિકોરા સુધી નર્મદા કાંઠે વસતા અંદાજે ૨૫ હજારથી વધુ માછીમારો માટે ચોમાસાની આ ચાર મહિનાની હિલ્સા માછીમારીની સીઝન રોજગારીનો મુખ્ય આધાર માનવામાં આવે છે. આ સીઝનમાં થતી આવકથી અનેક પરિવારોનું આખા વર્ષનું ગુજરાન ચાલે છે.

માછીમારોના જણાવ્યા મુજબ આ વર્ષે સારા વરસાદને કારણે નર્મદા નદીમાં પૂરતું અને ર્નિમળ પાણી છે. જેના કારણે દરિયાથી હિલ્સા માછલી નર્મદામાં મોટી સંખ્યામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હિલ્સા માછલી દરિયાની વતની હોવા છતાં ઈંડા મૂકવા માટે દર વર્ષે ચોમાસા દરમિયાન નર્મદા નદીના મીઠા પાણીમાં પ્રવેશ કરે છે, જેના કારણે આ સમયગાળો માછીમારો માટે સૌથી મહત્વપૂર્ણ ગણાય છે.

હિલ્સા માછલીની દેશભરમાં માંગ

ભાડભૂત ખાતે પકડાતી હિલ્સા માછલીની માંગ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. સ્થાનિક વેપારીઓ દ્વારા આ માછલી સુરત, મુંબઈ અને કોલકાતા સહિતના મોટા બજારોમાં પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તેની અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. પરિણામે દર વર્ષે દેશના વિવિધ શહેરોના વેપારીઓ પણ ભાડભૂત પહોંચી હિલ્સાની ખરીદી કરે છે.

માછીમાર ચીમન માછીએ આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે વરસાદ સારો હોવાથી હિલ્સા માછલીનું ઉત્પાદન પણ સારું રહેશે અને માછીમારોને પૂરતી રોજગારી તથા યોગ્ય ભાવ મળશે. સમગ્ર માછીમાર સમાજમાં નવી સીઝનના પ્રારંભને લઈને ઉત્સાહ અને આનંદનો માહોલ જાેવા મળ્યો હતો.