નવસારીના ચીખલી તાલુકાના ઘોડવણી ગામે વહેલી સવારે એક હૃદયસ્પર્શી ઘટના બની છે. એક પાલતુ શ્વાન ‘નેક્ટર’એ દીપડા સામે લડીને ત્રણ લોકોનો જીવ બચાવ્યો હતો. આ બહાદુરીભર્યા સંઘર્ષમાં ‘નેક્ટર’ ગંભીર રીતે ઘવાઈ જતાં તેનું નિધન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોડવણી ગામની એક રેસ્ટોરન્ટ બહાર ત્રણ અજાણ્યા લોકો ખાટલા પર સૂતા હતા. વહેલી સવારના અંધકારનો લાભ લઈને ઝાડીઓમાંથી એક દીપડો શિકારની શોધમાં ત્યાં આવી પહોંચ્યો હતો. દીપડો સૂતેલા લોકો પર હુમલો કરવાની તૈયારીમાં હતો.

‘નેક્ટર’ દીપડા સામે દીવાલ બનીને ઊભો રહ્યો આ સમયે ગામના યુવા અગ્રણી વિશાલ પટેલનો પાલતુ શ્વાન ‘નેક્ટર’ ત્યાં પહોંચી ગયો. ‘નેક્ટર’એ દીપડાને જોતા જ પોતાના કદ કે શક્તિનો વિચાર કર્યા વિના, સૂતેલા લોકોના રક્ષણ માટે દીપડા સામે દીવાલ બનીને ઊભો રહી ગયો.
ત્યારબાદ દીપડા અને ‘નેક્ટર’ વચ્ચે ભયાનક અને લોહીયાળ જંગ શરૂ થયો. ‘નેક્ટર’એ દીપડાના તીક્ષ્ણ પંજા અને દાંતના ઘાતકી પ્રહારો ઝીલી લીધા. તેણે હિંમત હાર્યા વિના વળતો પ્રહાર કર્યો, જેના કારણે દીપડાને પીછેહઠ કરીને ભાગવું પડ્યું.

