Gujarat

ધ્રોલ અપહરણ અને દુષ્કર્મ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી કેસમાં પોક્સો કોર્ટે આરોપી બાબુ વાલાભાઈ જખાણીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો અધિનિયમની જોગવાઈઓ હેઠળ આરોપીને દોષિત ઠેરવ્યો હતો.

અપહરણ બાદ અલગ-અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરાયું પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર 16 વર્ષ 2 મહિનાની સગીરાના પિતાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ હતો કે આરોપી બાબુ વાલાભાઈ જખાણીયાએ સગીરાનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે વારંવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સુરત ખાતેથી આરોપીની ધરપકડ કરી હતી.

તપાસ બાદ ચાર્જશીટ, જામીન અરજી પણ ફગાવાઈ આ કેસમાં તપાસ અધિકારી એચ.વી. રાઠોડે તટસ્થ તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)(એમ) તેમજ પોક્સો અધિનિયમની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધાયો હતો. ટ્રાયલ દરમિયાન આરોપીએ જામનગર કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભોગ બનનાર પક્ષના વકીલ મોહસીન કે. ગોરીએ તેનો સશક્ત વિરોધ કરતાં જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. બાદમાં હાઈકોર્ટમાં પણ આરોપીને પોતાની અરજી પરત ખેંચવી પડી હતી.

પુરાવા અને દલીલોના આધારે કોર્ટે સંભળાવી કડક સજા કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓના આધારે પોક્સો કોર્ટે આરોપીને તમામ સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી અને ભોગ બનનાર સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો. કેસ દરમિયાન ભોગ બનનાર પક્ષ તરફથી વકીલ મોહસીન કે. ગોરી સાથે સરકારી વકીલ ભારતીબેન વાદી, સિદ્ધાર્થ એસ. સાપરીયા, જયદીપ કે. મોલિયા તથા ટ્રેઇની દર્શન એ. ગોસ્વામી હાજર રહ્યા હતા.