ઉનાવા પોલીસે મુંબઈના ₹2.66 કરોડના MD ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉંમર 33) ને ઝડપી પાડ્યો છે. આરોપીને ઉનાવા ખાતેની ડિસેન્ટ હોટલમાંથી પકડવામાં આવ્યો હતો.
આ ગુનો મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશન, મીરા ભાયંદર વસઈ વિરાર, મુંબઈ ખાતે 04/04/2026 ના રોજ NDPS એક્ટની કલમ 8(સી), 21(ક), 22(6), 29 હેઠળ નોંધાયો હતો. આ કેસમાં ₹2,64,80,000/- ની કિંમતનું MD ડ્રગ્સ (સફેદ પાવડર) સહિત કુલ ₹2,66,17,280/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉનાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના સુપરવિઝન હેઠળ, ઉનાવા પોલીસ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ સોમાભાઈ (બ.નં. 1594) અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર પ્રભાતભાઈ (બ.નં. 1409) ને ખાનગી બાતમી મળી હતી. તેમને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ ઉનાવા ડિસેન્ટ હોટલમાં રોકાયેલો છે.
બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક ડિસેન્ટ હોટલ ખાતે જઈ તપાસ કરતા આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉંમર 33) મળી આવ્યો હતો. આરોપી હાલ ઓમકાર બિલ્ડિંગ, બીજો માળ, રૂમ નં. 203, ક્લસ્ટર ટાવર પાસે, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈનો રહેવાસી છે અને મૂળ 42, ટેનામેન્ટ, ન્યુ મ્યુનિસિપલ બિલ્ડિંગ, ચોથો માળ, રૂમ નં. 37, કેશવરાવ કદમ માર્ગ, ફારસ રોડ, કે.કે. માર્ગ, મ્યુનિસિપલ શાળા પાસે, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્રનો છે.
ઉનાવા પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 35 (1)(જે) હેઠળ કાર્યવાહી કરી છે. વધુ તપાસ માટે મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

