વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ અપાવવાના નામે ટોળકી સામે લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુભાનપુરા વિસ્તારમાં ફ્લેટ અપાવવાની લાલચ આપીને એક પરિવાર પાસેથી રોકડા અને ઓનલાઇન મળી કુલ 9.60 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રીના રાકેશ જોષીના પુત્ર કશ્યપ જોષી સહિત 4 શખ્સ સામે ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. આરોપી કશ્યપ જોષી સામે અત્યાર સુધીમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં 5 ફરિયાદો નોંધાઈ છે.
વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય મહેન્દ્રભાઈ ભૈરવા ગોત્રી ચાર રસ્તા પાસે આવેલા ખોડિયાર ઓટો ગેરેજમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2024માં તેઓ અમદાવાદ ખાતે પોતાના જીજાજી ગોરધનભાઈના ઘરે ગયા હતા. તે દરમિયાન વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન લેવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમના જીજાજીએ અમદાવાદના પરિચિત દિલીપભાઈ રાજપૂતનો સંપર્ક કરાવ્યો હતો. દિલીપભાઈએ પોતાના માસીના પુત્ર રોહન સોલંકી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાનું કામ કરતા હોવાનું જણાવી તેમનો સંપર્ક કરાવ્યો હતો.
ઓગસ્ટ 2024માં મહેન્દ્રભાઈ અને તેમનાં પત્ની અનિતાબેન વડોદરાના સમતા વિસ્તારમાં આવેલી સંદીપ એસ્ટેટ એજન્સીની ઓફિસે રોહન સોલંકીને મળવા પહોંચ્યાં હતાં. જ્યાં રોહન સોલંકીએ જીલ અશોકકુમાર બારોટને પોતાના સાહેબ તરીકે ઓળખાવ્યા હતા અને તેમની ઉપર કશ્યપ રાકેશકુમાર જોષી નામના મોટા અધિકારી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સુભાનપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવેલા ફ્લેટ B- 505ની કિંમત 9.60 લાખ રૂપિયા નક્કી કરી હતી.

