ઘરના મતભેદના કારણે ઘર છોડવાની જીદ પર અડગ રહેલી એક યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેથી 181 અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતી તેમજ તેના માતા અને સાવકા પિતાને સમજાવટ આપ્યા બાદ પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ યુવતી માતા-પિતા સાથે ઘરે પરત જવા રાજી થઈ હતી.
કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતાના છૂટાછેડા થયા બાદ તે પોતાની માતા સાથે રહેતી હતી. બાદમાં માતાએ બીજા લગ્ન કર્યા હતા, જેના કારણે પરિવારમાં નવા સંબંધોને સ્વીકારવામાં તેને મુશ્કેલી પડી હતી. સાવકા પિતા ઘણીવાર હકીકત જાણ્યા વિના તેના પર આક્ષેપ કરતા અને મારઝૂડ પણ કરતા હતા. આ અંગે માતાને જાણ કરવા છતાં માતા દીકરીને જ સમજાવતી હતી.
કોઈ સાથે વાત કરતી જોવા મળતી ત્યારે ઝઘડાઓ થતાં ત્યારબાદ યુવતીએ નોકરી શરૂ કરીને પોતાનો ખર્ચ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. નોકરી દરમિયાન તેના મિત્રો બન્યા હતા, પરંતુ પરિવારને લાગતું હતું કે, યુવતી ફોન અને મિત્રો પર વધુ ધ્યાન આપે છે. જેના કારણે તે બહાર કોઈ સાથે વાત કરતી જોવા મળે, ત્યારે પણ ઘરમાં ઝઘડા થતા હતા. આ પરિસ્થિતિથી કંટાળીને યુવતી ઘર છોડવા માંગતી હતી.
181 અભયમની ટીમે સૌપ્રથમ યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ માતા અને સાવકા પિતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે સમજાવ્યું હતું કે, નવા પિતાને સ્વીકારવામાં યુવતીને સમય લાગવો સ્વાભાવિક છે અને તેના વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જરૂરી છે. સાથે જ માતાને પણ દીકરીને પૂરતો પ્રેમ, વિશ્વાસ અને સમય આપવાની સલાહ આપી હતી.

