વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત છાણી પોલીસે કાર્યવાહી કરીને ગાંજાના જથ્થા સાથે એક રિક્ષાચાલકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાંજા સહિત કુલ 5,633 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છાણી પોલીસને બાતમી મળી હતી કે, ભાથુજીનગર ગરનાળા પાસે રહેતો ધર્મેશ ઉર્ફે ધમો અશ્વીનભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે આરોપી રિક્ષા ચાલક ધર્મેશ ઉર્ફે ધમો અશ્વીનભાઈ પટેલ (ઉંમર. 28) પાસેથી 12.66 ગ્રામ ગાંજો, પાંચ ખાલી ઝિપલોક થેલીઓ, એક પ્લાસ્ટિકની થેલી, એક મોબાઇલ ફોન તેમજ ચૂંટણી કાર્ડ અને લાઇટ બિલની નકલ મળી આવી હતી. પોલીસે ગાંજાની કિંમત 633 રૂપિયા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 5,633 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ, 1985ની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો તેમજ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી છે.

