Gujarat

પાટનગરની ટ્રાફિક વ્યવસ્થાને મળશે નવી રફતાર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સતત વધી રહેલા શહેરીકરણ, વાહનોની વધતી સંખ્યા અને આગામી સમયમાં અમલી બનનારી પોલીસ કમિશ્નરેટની વ્યવસ્થાના ભાગરૂપે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યાને વધુ સુચારૂ અને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ગૃહ વિભાગે ગાંધીનગરમાં ટ્રાફિક વિભાગ માટે ખાસ DySPની નવી જગ્યા મંજૂર કરી છે. આ ઉપરાંત, વધતા જતા વિસ્તારને ધ્યાનમાં રાખીને શહેરમાં વધુ એક નવું અને સ્વતંત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવાની પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે.

ગિફ્ટ સિટી, ઇન્ફોસિટી અને હાઇવે પર વાહનોનું ભારણ વધતા લેવાયો નિર્ણય ગાંધીનગર શહેરનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ખાસ કરીને નવા વિકસતા સેક્ટરો, ગિફ્ટ સિટી, ઇન્ફોસિટી અને આસપાસના હાઇ-વે પર વાહનોનું ભારણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર શહેરની ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન મુખ્યત્વે સેક્ટર-22 સ્થિત એકમાત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશન પર નિર્ભર હતું. પરંતુ વધતી વસ્તી અને ટ્રાફિકના વ્યાપને જોતા પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.

સેક્ટર-22ની તર્જ પર ફૂલ-ફ્લેજમાં બનશે બીજું અદ્યતન ટ્રાફિક પોલીસ સ્ટેશન ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક DySPની જગ્યા મંજૂર થવાથી હવે ટ્રાફિક સંચાલન અને નિયમન માટે ઉચ્ચ અધિકારીનું સીધું સુપરવિઝન મળી રહેશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં આ સમગ્ર બાબતની વહીવટી પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ટ્રાફિક DySPની સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવશે. હાલમાં સેક્ટર-22 ખાતે જે રીતે સંપૂર્ણ સુવિધાઓ સાથેનું ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત છે, બરાબર તે જ તર્જ પર ફૂલ-ફ્લેજમાં બીજું અદ્યતન ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે, જેમાં પ્રારંભિક તબક્કે PSI સહિત જરૂરી પોલીસ સ્ટાફની નિમણૂક કરાશે.