Gujarat

સરગાસણની મહિલાના ખાતામાંથી ₹1.76 લાખની ઉચાપત

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી એક મહિલાના બેંક ખાતામાંથી અજાણ્યા શખ્સે તેમની જાણ બહાર એટીએમનો ઉપયોગ કરીને ટુકડે-ટુકડે કુલ રૂ. 1,76,000 ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. મહિલાનું એટીએમ કાર્ડ તેમની પાસે જ હોવા છતાં ખાતામાંથી નાણાં ઉપડી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મોબાઈલ એપમાં બેલેન્સ ઓછું જણાતા બેંક સ્ટેટમેન્ટ કઢાવ્યું મૂળ મહારાષ્ટ્રના વાશીમ જિલ્લાના વતની અને હાલ છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગરના સરગાસણ ખાતે આસ્કા હોસ્પિટલ પાછળ સમર્થ-56માં રહેતા સોનાલી ભીમરાવ રોકડે સેક્ટર-16 સ્થિત HDFC બેંકની શાખામાં બચત ખાતું ધરાવે છે અને તેમનું એટીએમ કાર્ડ હંમેશા તેમની પાસે જ રહે છે. ગત 19 ઓક્ટોબરના રોજ સોનાલીબહેને બેંકની મોબાઈલ એપમાં બેલેન્સ ચેક કરતાં ખાતામાં રકમ ઓછી હોવાનું ધ્યાને આવ્યું હતું. બીજા દિવસે બેંકમાં રજા હોવાથી તેઓ 21 ઓક્ટોબરના રોજ બેંક શાખાએ પહોંચ્યા હતા અને ખાતાનું સ્ટેટમેન્ટ તપાસાવ્યું હતું.

બે મહિનાના ગાળામાં અલગ-અલગ ATMમાંથી નાણાં ઉપાડી છેતરપિંડી બેંક સ્ટેટમેન્ટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, ગત 25 ઓગસ્ટથી 15 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોના અલગ-અલગ એટીએમમાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. 1,76,000 ઉપાડી લેવામાં આવ્યા છે. કાર્ડ પોતાની પાસે હોવા છતાં થયેલી આ ઉચાપત અંગે સોનાલીબહેને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.