ધંધાના વિકાસ માટે વ્યાજે નાણાં લેનારા સામાન્ય વેપારીઓને પાયમાલ કરતી વ્યાજખોરોની બદી સામે જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં મુદ્દલ કરતાં બમણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, ચડત વ્યાજના નામે એક દલિત વેપારીનું પાકું મકાન પચાવી પાડનાર વ્યાજખોર ત્રિપુટીને ‘બી’ ડિવિઝન પોલીસે દબોચી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
₹25 લાખ સામે ₹40 લાખ વસૂલ્યા તોય લાલચ ન સંતોષાઈ મળતી વિગતો અનુસાર, દોલતપરા વિસ્તારમાં રહેતા અને કાળવા ચોકમાં ‘ચામુંડા મોબાઈલ’ નામે નાની દુકાન ધરાવતા જીતુભાઈ મંગાભાઈ ગોહેલને વર્ષ 2022 માં ધંધા માટે નાણાંની જરૂર પડી હતી. તેમણે પંકજ મોતીલાલ ઓંધીયા નામના વ્યાજખોર પાસેથી 10% ના ઊંચા માસિક વ્યાજે કટકે-કટકે ₹11,00,000 લીધા હતા. ત્યારબાદ વ્યાજના ચક્કરમાં ફસાયેલા જીતુભાઈને પંકજે વસંત મહેતા અને કામીનીબેન મહેતા નામના દંપતી સાથે મુલાકાત કરાવી આપી હતી.
વર્ષ 2024 માં જીતુભાઈએ આ દંપતી પાસેથી પણ ₹14,00,000 વ્યાજે લીધા. આમ, વેપારીએ કુલ ₹25,00,000 જેટલી રકમ મેળવી હતી, જેની સામે અત્યાર સુધીમાં ઓનલાઈન અને રોકડા મળીને ₹40,00,000 થી વધુની માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હતી.
જ્યારે જીતુભાઈ વ્યાજ આપવામાં અસમર્થ બન્યા, ત્યારે આરોપીઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. મુખ્ય આરોપી પંકજ વેપારીના નામે ₹50,000 ની ડાયરી બનાવતો, પરંતુ એડવાન્સ વ્યાજના નામે ₹20,000 કાપીને માત્ર ₹30,000 આપતો હતો. આ રૂપિયાની સામે રોજ સવારે ₹500 થી લઈને ₹2,500 સુધીની બળજબરીપૂર્વક રોજબરોજ ઉઘરાણી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જીતુભાઈ પાસેથી 5 થી 7 જેટલા બેંકના કોરા ચેક પર સહી કરાવી પડાવી લીધા હતા અને કોર્ટ નોટિસો મોકલાવી માનસિક ત્રાસ આપતા હતા.

