Gujarat

હાલારમાં મેઘરાજાના મંડાણ, ઠેર ઠેર મેઘાવી માહોલ‎

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના મોડા પ્રારંભ બાદ બુધવારે મેઘાગમનથી ખેડૂતો સહિત લોકોમાં આશાનો સંચાર થયો હતો. જામજોધપુરમાં મેઘરાજાએ ઘમાકેદાર મુકામ કરતા બે કલાકમાં જ સવા ચાર ઇંચ સાથે લગભગ ચારેક કલાકમાં સાત ઇંચ પાણી વરસાવી શહેરને ધમરોળ્યુ હતુ.જયારે જોડીયામાં સાંજ સુધીમાં એકાદ ઇંચ, કાલાવડમાં વધુ અડધોક ઇંચ વરસાદ સાંજ સુધીમાં પડયો હતો. લાલપુર ઉપરાંત્ ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ઝાપટા વરસ્યા હતા.

હાલાર પંથકમાં મેઘરાજાએ ગુરૂવારથી ઘમાકેદાર બેટીંગ શરુ કરી છે.ખાસ કરી ખાસ કરીને જામજોધપુર પંથકને ગુરૂવારે મેઘરાજાએ ધમરોળ્યું છે. ચોમાસાની ધબધબાટી વચ્ચે જામજોધપુરમાં બપોરે અઢી વાગ્યાના સુમારે શરૂ થયેલા વરસાદે ગાજવિજ સાથે ધીમીધારે પ્રારંબ બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

જેના પગલે એક તબકકે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં સવા 4 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે લગભગ ચાર-સાડા ચાર કલાક જેટલા કુલ સમયગાળામાં સાત ઇંચ જેટલું ભારે પાણી વરસી જતા શહેર એક તબકકે જળબંબોળ બની ગયુ હોાવની સ્થિતિ સર્જાઇ હતી.

જામજોધપુર શહેરમાં અને ગ્રામ્ય પંથકોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપે વરસ્યા હતા. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ શરૂ થયેલા તોફાની વરસાદે માત્ર બે જ કલાકમાં ચાર ઇંચ પાણી વરસાવી દીધું હતું. વરસાદની આ તીવ્રતા એટલી વધારે હતી કે ખરાવાડ, ગૌશાળા જેવા નીચાણવાળા વિસ્તારોના મુખ્ય માર્ગો એક તબકકે જાણે કે નદીઓમાં ફેરવાઈ ગયા હતા.