રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આગામી 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે. ત્યારે દરરોજ સાંજના 4થી 8 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. આ સાથે જ નામાંકિત લોક કલાકારો પણ લોકસાહિત્યનો રસથાળ પીરસશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવા ઈચ્છુક કલાકારો અને સંસ્થાઓ પાસે અરજીઓ મંગાવવાનું શરૂ કરાયું છે.
રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ. વી. દિહોરાએ જણાવ્યું હતું કે, લોકમેળા દરમિયાન દરરોજ સાંજે 4થી 8 કલાક દરમિયાન લોક ડાયરો, લોકનૃત્ય, રાસ, પ્રાચીન-અર્વાચીન ગરબા, સોલો, કરાઓકે ગ્રુપ, શાસ્ત્રીય નૃત્ય ગ્રુપ, સેમી કલાસીકલ, વાઘવૃંદ, યોગા ગ્રુપ તેમજ જીમનાસ્ટીક ગ્રુપ જેવા કાર્યક્રમો આપવા માગતા કલાકારો તથા ગ્રુપો પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે. પસંદગી પામેલા કલાકારોને લોકમેળા દરમિયાન સ્ટેજ પર કાર્યક્રમ ફાળવવામાં આવશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા માગતા કલાકાર કે ગ્રુપે સંપૂર્ણ વિગતો સાથેનું નિયત નમૂનાનું અરજી ફોર્મ અને જરૂરી આધાર પુરાવા ‘પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, 5/5, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ’ ખાતે તારીખ 17 ઓગસ્ટના બપોરે 12 કલાક સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

