Gujarat

સોમનાથના તોફાની દરિયામાં ત્રણ યુવકો ડૂબ્યા, બેનો બચાવ

યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર નજીકના દરિયામાં મહારાષ્ટ્રના સોલાપુરથી દર્શનાર્થે આવેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા. દરિયાના ઉછળતાં મોજાની મજા માણવા ઉતર્યા હતા, પરંતુ અચાનક ઊંચા મોજાની ઝપટમાં આવી જતાં ત્રણેય દરિયામાં ગરકાવ થયા હતા. જોકે, બે યુવકોનો બચાવ થયો છે. જ્યારે એક હજુ લાપતા છે. આ ઘટનાથી યાત્રાધામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

અચાનક જોરદાર મોજાની લહેરે ત્રણેયને દરિયામાં ખેંચી લીધા પ્રાથમિક માહિતી મુજબ, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના રહેવાસી ત્રણ યુવકો પરિવારજનો અને મિત્રો સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ દરિયા કિનારે ફરવા ગયા હતા. આ દરમિયાન, દરિયામાં ઉછળતા મોજાની મજા માણવા પાણી નજીક જતાં અચાનક જોરદાર મોજાની લહેરે તેમને ખેંચી લીધા હતા.

યુવકો દરિયામાં તણાઈ રહ્યા હોવાની બૂમાબૂમ થતાં આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ પ્રયાસો શરૂ કર્યા હતા અને ઘટનાની જાણ પોલીસ તથા ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. દોરડાની મદદથી બે યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, એક યુવક હજુ સુધી લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ અધિકારી એમ.કે.વનારકાએ જણાવ્યું કે, આજ રોજ સોમનાથ દરિયા કિનારાએ ચોપાટી ઉપર ત્રણ લોકો ડૂબ્યાનો બનાવ બન્યો હતો. જેથી પ્રભાસ પાટણ સ્થાનિક પોલીસ, સ્થાનિક ઘોડેસવારો અને ફોટોગ્રાફરોની મદદથી બે લોકોને અમે સફળતાપૂર્વક બચાવી શક્યા છીએ. જોકે, એક યુવક હાલ મિસિંગ છે. જેને સ્થાનિક પોલીસ, ફાયરની ટીમ, માછીમારો સહિતનાઓની સાથે મળી એમની શોધખોળ હાથ ધરી છે.

આ બન્ને યુવકોનો બચાવ થયો

  • રોહિત મધુકર સરગમ (ઉ.વ.22)
  • સુમિત સૂરજ તોડકરી (ઉ.વ.25)

લાપતા યુવકનું નામ

  • વિઠ્ઠલ કલ્પા ભાલગાવકર (ઉ.વ.22)