Gujarat

મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા

જામનગર જિલ્લામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામના રામદૂતનગરમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બે પશ્ચિમ બંગાળી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.

SOG પી.આઈ. બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને લાલજીભાઈ રાતડીયા નામના બાતમીદારો દ્વારા ચોક્કસ વિગત મળી હતી કે મેઘપરના મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર બે શખ્સો દવાખાનું ચલાવી રહ્યા છે.

આ બાતમીના આધારે SOG ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રોવાસ વિશ્વાસ નામના શખ્સ પાસેથી દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ. 2511 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જ્યારે મીલટન રતનભાઈ બિશ્વાસ પાસેથી દવાઓ અને ઈન્જેક્શન સહિત કુલ રૂ. 2538 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બંને શખ્સો લાયકાત વગર દર્દીઓને તપાસતા, ઈન્જેક્શન આપતા અને બાટલા ચડાવીને ગેરકાયદેસર રીતે પૈસા વસૂલતા હોવાનું સામે આવ્યું છે.