વડોદરા શહેરમાં ગઇકાલે બે અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં બે યુવકોએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધા હોવાની ઘટનાઓ સામે આવી છે. કુંભારવાડા અને વાડી પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બંને બનાવોને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવની વિગતો મુજબ, વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા ખારી તલાવીડી, વીમા દવાખાના પાસે અને ભાથુજી મંદિર પાછળ રહેતા 38 વર્ષીય રાજુભાઈ સનાભાઈ રાઠોડે ગત સાંજે પોતાના ઝુંપડામાં લાકડાની વળી સાથે ખાટલાની પાટી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે કોલ્ડરૂમમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને મોતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, વડોદરા શહેરના જ વાડી વિસ્તારમાં આવેલા હુસેની ચોક, બદરી મોહલ્લામાં રહેતા 34 વર્ષીય મુસ્તફા ફિરોઝભાઈ ટીનવાલા નામના યુવકે પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં બંને બનાવમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને બનાવોમાં મૃતક યુવકો પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.

