Gujarat

બાવળા હાઇવે પરથી ચોરાયેલી બાઇક સાથે બે યુવાનો ઝડપાયા

બાવળા હાઇવે પરથી બાઇક ચોરીના કેસમાં પોલીસે બે યુવાનોને પકડી લીધા છે. તેમની પાસેથી ચોરાયેલી બાઇક પણ મળી આવી છે.અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ઉકેલવા પોલીસ તપાસ કરી રહી છે. બાવળા પોલીસે તાજેતરમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો હતો. બાવળા-રાજકોટ હાઇવે પર રૂપાલ ચોકડી નજીકથી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક (નંબર GJ-13-BH-2452) ચોરાઈ હતી. આ અંગે 24/11/2026ના રોજ બાવળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો.

ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાવળા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને આરોપીઓને પકડી લીધા હતા. તેમની પાસેથી ચોરાયેલી બાઇક મળી આવી હતી. પોલીસે આરોપીઓની ઓળખ 20 વર્ષીય રાજ સુરેશભાઈ દંતાણી (રહે. બોરડીવાળા જીનમાં, બાવળા) અને 19 વર્ષીય વિશાલભાઈ દિલીપભાઈ ઠક્કર (રહે. નવા આવાસ, બાવળા; મૂળ જુવાલ ગામ, તા. સાણંદ) તરીકે કરી છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.