મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જસાપર ગામે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પીપળીયા ચાર રસ્તાથી ગોળાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની યોજના અગાઉ જાહેર થતાં ખેડૂતોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી આ બાયપાસનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ જસાપર ગામેથી નવો બાયપાસ રોડ નીકળશે તો ખેડૂતોની મોટી ખેતીની જમીનો કપાતમાં જશે.એ જમીનનું કદાચ સરકાર એક વખત વળતર આપીને છૂટી જશે પણ ખેડૂતોને હંમેશ માટે જમીન ગુમાવવી પડશે. આથી કાયમ માટે ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે. તેથી ખેડૂતોને ગામ છોડી હિજરત કરી મજૂરી કામ માટે જ્યાં ત્યાં ભટકવું પડશે.
આવી ગંભીર રજૂઆત કરવા છતાં પણ મામલતદાર સહિતના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જસાપર ગામે રસ્તાની માપણી કરવા ગયા હતા. ત્યારે તમામ ખેડૂતો સહિતના ગ્રામજનોએ એકત્ર થઈને નોટિસ આપ્યા વગર જ માપણી કરવા આવ્યા હોવાનું કહી આ રોડની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તબબકે ગ્રામજનોએ ચક્કાજામ કરવાની તૈયારી કરી હતી.બાદમાં અધિકારીઓએ આ સમગ્ર બાબત અંગે ડે કલેકટર સમક્ષ રજૂઆત કરવાનું કહેતા અને બન્ને આ વાતથી સહમત થતાં હાલના તબક્કે આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

