મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલા એક માર્બલ કટીંગ કારખાનામાં ચોરીનો બનાવ બન્યો છે. બે અજાણ્યા શખ્સો કારખાનાની દીવાલ ટપી અંદર ઘૂસી, ચાલુ ઇલેક્ટ્રિક લાઇનનો આશરે 40,000 રૂપિયાનો કેબલ વાયર કાપી ફરાર થઈ ગયા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી અંકુરભાઈ ડાયાભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, તેઓ મોરબીના એસ.પી. રોડ પર ફ્લોરા-૫૭માં રહે છે અને જાંબુડિયા ગામની સીમમાં ‘રોલેક્સ સ્પે ડાયલ’ નામની ભાગીદારી પેઢીમાં માર્બલ કટીંગનું કારખાનું ધરાવે છે.
ગત મોડી રાત્રિના સમયે બે અજાણ્યા ચોર ઇસમો કારખાનાની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેમણે ગોડાઉનની બહાર લગાવેલ ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના 10 એમ.એમ.ના આશરે 80 મીટર લાંબા કેબલ વાયરની ચોરી કરી હતી. આ વાયરની અંદાજિત કિંમત 40,000 રૂપિયા આંકવામાં આવી છે. અંકુરભાઈ કગથરાએ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

