Gujarat

રાજકોટનાં વોર્ડ નં-5માં ઘણા સમયથી પૂરતું પાણી નહીં મળતું હોવાનો આરોપ

રાજકોટ શહેરમાં ભર ચોમાસે મહાનગરપાલિકા દ્વારા પાણીકાપ ઝીંકવામાં આવતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. 3 મુખ્ય લાઈનનાં સમારકામ માટે 16 થી 21 તારીખ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે.

જેના કારણે 6 દિવસમાં કુલ 14 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. પાણીકાપનો આજે પ્રથમ દિવસ છે. જેમાં વોર્ડ નં-5માં પાણી વિતરણ બંધ રહેતા મહિલાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ વિસ્તારમાં ઘણા સમયથી પૂરતું પાણી નહીં મળતું હોવાનો આરોપ સ્થાનિક મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમજ સમસ્યા દૂર નહીં થાય તો વેરો ભરવાનું બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

શિવમનગર વિસ્તારમાં રહેતા સવિતાબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી આવતું જ નથી. જો આવે તો પણ 5 થી 10 મિનિટ જ આવે છે અને તેમાં પ્રેશર હોતું નથી. હાલ ભરપૂર ચોમાસું ચાલે છે છતાં અમને પાણી મળતું નથી, તો ઉનાળામાં અમારી શું હાલત થશે?

અમારા ઘરના સભ્યો મજૂરી કરીને સમયસર વેરો ભરે છે છતાં અમને પ્રાથમિક સુવિધા નથી મળતી. હવે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે વેરો ભરવાનું બંધ કરી દેશું. દરરોજ સવારે 5:30 વાગ્યે એક સરખા સમયે ઓછામાં ઓછી 30 મિનિટ પૂરતા પ્રેશરથી અમને પાણી આપવામાં આવે તેવી અમારી માંગ છે.