Gujarat

રાજકોટની ચૌધરી હાઇસ્કૂલથી લીમડા ચોક તરફ જતો રસ્તો બે-ત્રણ દિવસમાં ખુલ્લો મુકાશે

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના હૃદયસમા ગણાતા હરિહર ચોકમાં હાથ ધરાયેલી મહત્વપૂર્ણ વિકાસલક્ષી કામગીરી પૂર્ણ થઈ છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7ની સરહદ પર આવેલા હરિહર ચોકથી ચૌધરી હાઇસ્કૂલ તરફ જતા માર્ગ પરના જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટ બનાવવાનું કામ પૂર્ણ કરાયું છે.

આગામી બે-ત્રણ દિવસમાં હરિહર ચોકનો 1 વર્ષથી બંધ રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે. જેના કારણે લીમડા ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ આવતા-જતા હજારો વાહન ચાલકોની ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે.

રાજકોટ મહાપાલિકાનાં સિટી ઈજનેર અતુલ રાવલએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર મહિનાના અંતથી શરૂ થયેલા આ વિશાળ પ્રોજેક્ટ માટે રૂ. 2.49 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અને આ કામ 12 મહિના એટલે કે 1 વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ આ કામગીરી નિર્ધારિત સમયમાં જ પૂર્ણ કરવામાં આવી છે. અહીં રસ્તો બનાવવા સહિતની તમામ કામગીરી પુરી થઈ ચૂકી છે. અને આવનારા 2-3 દિવસમાં જ હરિહર ચોક ખુલ્લો મુકવામાં આવતા વાહન ચાલકોને રાહત થશે. આ સાથે જ ચોમાસા દરમિયાન પાણીના સુચારુ નિકાલમાં પણ મોટી મદદ મળશે.