રાજકોટમાં ગઈકાલે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સેન્ટ્રલ, વેસ્ટ તેમજ ઈસ્ટ ઝોનમાં માત્ર પોણા બવ ઈંચ જેવો સામાન્ય વરસાદ ખાબક્યો હતો. પરંતુ આ સામાન્ય વરસાદમાં જ રાજકોટ મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે.
શહેરના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થઈ ગયા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ગોઠણસમા પાણી ભરાઈ જતાં શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મનપા દ્વારા વોકળાઓ બુરી દેવામાં આવતા આ સ્થિતિ થઈ હોવાનો આરોપ લોકસંસદ વિચાર મંચના આગેવાનોએ લગાવ્યો છે.

લોકસંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે. શહેરના મવડી તરફના બાપા સીતારામ ચોક, એસ્ટોન નાલુ, હેમુ ગઢવી હોલ પાસે, સોરઠીયા વાડી, માસ્તર સોસાયટી, હસનવાડી, નંદા હોલ પાસે અને પોપટપરા નાલુ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
મહાપાલિકાના શાસકો દ્વારા શહેરના કુદરતી પાણીના નિકાલના મુખ્ય સ્ત્રોત સમાન વોકળાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક વોકળાઓ પર પુરાણ કરીને વેચી મારવામાં આવ્યા છે. આ વોકળાઓ પર આલિશાન બિલ્ડિંગોનું નિર્માણ કરી દેવાતાં અને દબાણો સામે તંત્ર દ્વારા ધૃતરાષ્ટ્ર નીતિ અપનાવવામાં આવતાં વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં મોટો અવરોધ ઊભો થયો છે, જેના પરિણામે આજે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

