ભાવનગર શહેરના હેવમોર ચોક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ઘટના સામે આવી છે. અહીં આનંદનગર વિસ્તારમાં રહેતા એક 21 વર્ષીય યુવાન પર જૂની બોલાચાલીની અદાવત રાખીને ચાર શખ્સોએ પાઇપ અને છરી જેવા જીવલેણ હથિયારો વડે હિંસક હુમલો કર્યો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ હિંસક ઘટના અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ચારેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
5 દિવસ પહેલાં રૂપમ ચોકમાં થઈ હતી બોલાચાલી આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા ત્રણ માળિયા, રૂમ નંબર-1માં રહેતો અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો સંજય દેવરાજભાઈ ગોહિલ (ઉં.વ. 21) નામનો યુવાન ગતરોજ હુમલાનો ભોગ બન્યો હતો. સંજયને આજથી આશરે 5 દિવસ પૂર્વે રૂપમ ચોક ખાતે કરણ ઉર્ફે દાઉદ નામના શખ્સ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. કરણ ઉર્ફે દાઉદે આ વાતની મનોમન અદાવત (દાઝ) રાખી હતી.
ગતરોજ ફરિયાદી યુવાન સંજય રૂપમ ચોક નજીક આવેલા હેવમોર ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કરણ ઉર્ફે દાઉદ, બાદશાહ, હાર્દિક અને એક અજાણ્યો શખ્સ રિક્ષા લઈને ત્યાં ધસી આવ્યા હતા. આ ચારેય શખ્સોએ જૂની બોલાચાલીનો રાગ આલાપીને સંજય સાથે ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડો વધતાં જ ચારેય હુમલાખોરોએ સંજય પર લોખંડના પાઇપ અને ધારદાર છરી વડે તૂટી પડીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ તેને ઢીકાપાટુનો મૂંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

