આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દિવાળી બાદ નવા વર્ષની ઉજવણી અનોખી ધાર્મિક અને લોકપરંપરા સાથે કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી ગાય ગોહરીની પરંપરા અંતર્ગત ગરબાડા, ગાંગરડી, અભલોડ, દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ગાય ગોહરી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વને લઈને એક દિવસ અગાઉથી જ પશુપાલકો અને ખેડૂતો ગાયોને નવડાવી, વિવિધ રંગો, મહેંદી, મોરપીંછ, મોરિંગા, ફુગ્ગા અને ઘૂઘરાથી શણગારી તૈયાર કરે છે.
એક ગાય પાછળ અંદાજે રૂા.1,500થી 2,000 સુધીનો ખર્ચ કરવામાં આવે છે. નવા વર્ષના દિવસે ગામના ચામુંડા માતાજીના મંદિરે પૂજા, અન્નકૂટ અને આરતી બાદ ઢોલ – નગારાના નાદ સાથે ગાય ગોહરીની શરૂઆત થાય છે. આ પ્રસંગે ગાયોના દોડતાં ટોળાં નીચેથી ખેડૂતો દંડવત પ્રણામ કરી પસાર થાય છે. માન્યતા મુજબ વર્ષ દરમિયાન અજાણતાં પશુઓને માર પડ્યો હોય કે તેમની પાસે કામ કરાવ્યું હોય તેના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે આ પરંપરા નિભાવવામાં આવે છે.

