Gujarat

દલવાડામાં યુવકનું અપહરણ કરી ઘાતકી હત્યા કરનારા 6 ઝડપાયા

શહેરાના દલવાડા ગામે મંડપનું કામ કરનાર મહેશભાઈનું અપહરણ કરી ઢોર માર મારતાં અમદાવાદ સિવિલમાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

શહેરા તાલુકાનાં દલવાડા (કૃષ્ણ ફળીયું) ગામે રહેતા દિનેશભાઈ પુનાભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.10/11/26 ના રોજ તેમનો ભાઈ મહેશ મંડપનું કામ કરવા માટે વડાગામ જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં કેટલાક ઈસમોએ કોઈ બાબતની શંકા રાખીને તેમની બાઈક રોકી હતી.​

દિલીપભાઈ અંદરભાઈ પટેલ, હિતેશભાઈ મંગળભાઈ પટેલ અને અન્ય શખ્સોએ મહેશભાઈ સાથે બોલાચાલી કરી તેમને બળજબરીપૂર્વક અન્ય વાહન પર બેસાડી અંદરસિંહ ભલાભાઈ પટેલના ઘરે લઈ ગયા હતા.

ત્યાં અંદરસિંહ, તેમનો પુત્ર દિલીપભાઈ, અલ્પેશભાઈ અને મંગળભાઈ પ્રભાતભાઈ પટેલે ભેગા મળીને લાકડી, લાતો અને મુક્કાઓથી મહેશને માર માર્યો હતો. હુમલાખોરોએ યુવકને જીવતા કાપી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

​ગંભીર ઈજાઓને કારણે મહેશ બેભાન થઈ જતા તેમને પ્રથમ ગોધરા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહેશનું મૃત્યુ થયું હતું.આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.