જામનગરની પંચવટી સોસાયટીમાં મોદી સ્કૂલ પાછળ આવેલા મોહન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં LCBની ટીમે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 બોટલ કબજે કરી છે. પોલીસે સ્થળ પરથી ₹ 1,78,138 ની કિંમતનો દારૂ અને ₹ 5,000 નો મોબાઇલ ફોન મળીને કુલ ₹ 1,83,138 ના મુદ્દામાલ સાથે લખમણભાઈ હુંણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામનો વતની છે અને હાલ મોહન એપાર્ટમેન્ટમાં રહે છે.
બાતમીના આધારે LCBની ટીમે એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB પી.આઈ. વી.બી. ચૌધરીની રાહબરીમાં પી.એસ.આઈ. એમ.વી. ભાટિયા અને સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ રૂષીરાજસિંહ વાળા અને મયુરસિંહ પરમારને ચોક્કસ બાતમી મળતા મોહન એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

દારૂ સપ્લાય કરનાર પોરબંદરના શખ્સનું નામ ખુલ્યું પકડાયેલા આરોપી લખમણ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો પોરબંદર જિલ્લાના બગવદર (માલદીવારી નેશ) ખાતે રહેતા બાલુ કોડિયાતરે સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ જામનગર પોલીસે મૂળ રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામ (ખોડિયાર નેશ) ના વતની એવા ફરાર સપ્લાયરને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

