પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 9 વર્ષ પહેલાં ગુમ થયેલી મહિલા હાલોલ બસ સ્ટેન્ડેથી મળી આવી છે. પોલીસે મોબાઇલ નંબરના ટેક્નિકલ વિશ્લેષણથી તેમનો પત્તો મેળવ્યો હતો.જિલ્લામાં ગુમ થયેલા અથવા અપહરણ થયેલા લોકોને શોધવા 24 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 સુધી ખાસ ઝુંબેશ ચાલી રહી છે. તેમાં પોક્સો કેસો અને જાણવાજોગ નોંધના કેસોનો પણ સમાવેશ થાય છે.
કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીરના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ઓ. ભરવાડે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એ.એસ.આઈ. ગજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહે વેજલપુર પોલીસ સ્ટેશનની જાણવાજોગ નોંધ નંબર 24/2017ના આધારે તપાસ કરી હતી. પોલીસને હ્યુમન સોર્સ પાસેથી માહિતી મળી હતી. ત્યારબાદ મહિલાના મોબાઇલ નંબરનું ટેક્નિકલ વિશ્લેષણ કરાયું હતું.

પોલીસે અનીલાબેનને શોધી કાઢ્યાં હતાં. તેઓ રમેશભાઈ દામાભાઈ નિનામાની પુત્રી છે અને તેમની ઉંમર 31 વર્ષ છે. તેઓ હાલ વડોદરા શહેરની જેતલપુર જાદવપાર્ક સોસાયટીમાં રહે છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

