રાજકોટ શહેરમાં આપઘાતના વધુ બે બનાવ સામે આવ્યા છે, જેમાં એક 52 વર્ષીય અને એક 36 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા બન્ને મૃતદેહને પોલીસે પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જંગલેશ્વર શેરી નં.4માં આપઘાતનો બનાવ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જંગલેશ્વર શેરી નંબર 4માં રહેતા 52 વર્ષીય રોશનબેન અમરેલીયાએ ગઈકાલે પોતાના ઘરે હતા, ત્યારે ગળેફાંસો ખાઈ લેતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
જો કે, ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી બનાવ અંગેની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવતા પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
36 વર્ષીય અનિતાબેને સારવારમાં દમ તોડ્યો જ્યારે બીજા બનાવમાં માન સરોવર વિસ્તારમાં આવેલ શ્રીરામ પાર્ક શેરી નંબર 2માં રહેતા 36 વર્ષીય અનિતાબેન હરિસિંહ રાજપૂતએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો તેમને તાત્કાલિક નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં તેમની સારવાર ચાલુ હતી.
દરમિયાન રાત્રિના 12:30 વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા બનાવ અંગે જાણ આજીડેમ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અનિતા અને તેનો પતિ મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું અને તેને સંતાનમાં બે બાળકો હોવાનું તથા અહીં રાજકોટમાં કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

